નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ ને ચૈતન્ય રસ કરી જાણવો પકડી પ્રેમે સંજીવન-મૂળી. ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે; સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે. બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો; નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણ જિહ્વાએ રસ સરસ પીવો. અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે; નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper