કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚ મારી હાલ રે ફકીરી ! (દેવાંગી)
કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚
મારી હાલ રે ફકીરી !
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…
માલમી વિનાનું બીજું કોણ તો જાણે…
મારી હાલ રે ફકીરી…
જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…
મારી હાલ રે ફકીરી…
કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚
અઢારે વરણમાં મારા હીરલા ફરે…
મારી હાલ રે ફકીરી…
ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે…
મારી હાલ રે ફકીરી…
પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…
મારી હાલ રે ફકીરી…
ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…
મારી હાલ રે ફકીરી…
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે…
મારી હાલ રે ફકીરી…..
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper